યા અલ્લાહ ઠંડ લગ રહી હૈ!’ દરિયાઈ પવનના સુસવાટાથી થથરી ગયેલા બાવીસ
વર્ષના બિહારી મુસ્લિમ મોહમ્મદ સિરાજથી બોલાઇ ગયું ત્યારે ૩૦૦ ટન ઘઉં ભરેલું બાર્જ
(માલવાહક જહાજ) જામનગરના બેડી બંદરથી ખાસ્સું દૂર પહોંચી ગયું હતું. વહેલી
સવારના પોણા ચાર વાગ્યા હતા અને આકાશના કાળા ભમ્મર વાદળો પાછળ ચંદ્ર
અલોપ થઈ ગયો હતો. કલાકના ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. ક્યારેક
વાદળાં વરસી જતાં હતાં. ચમકી જતી વીજળીના તેજલિસોટામાં દૂર ઊભેલી પરદેશી
શિપ ‘વન્ડર’ પળવાર માટે ઝબકીને અલોપ થઈ જતું હતું. બેડી બંદર પણ હવે
દેખાતું ઝાંખું થઈ ગયું હતું. ચડ્ડીભેર બાર્જમાં ચઢેલા મોહમ્મદ સિરાજને મનોમન
પસ્તાવો થતો હતો કે સાથી મજુર મોહમ્મદ અબ્દુલની જેમ ગંજીફરાક પહેર્યું હોત તો
થોડી રાહત લાગત. સિરાજના મનમાં ઊઠતા વિચારને પામી ગયો હોય તેમ મોહમ્મદ
અબ્દુલે જરા મોટા અવાજે હાકલ મારી: ‘સિરાજ, બોરીયોં (ઘંઉની ગૂણી) કે બીચ જા
કર બૈઠ જા!’
બાર્જ પર ચાલતો સિરાજ ઘઉંની ગૂણીઓની આડશમાં જવા માટે બાર્જના કિનારા તરફ
ગયો તો ધસમસતા આવેલા એક મોજાંની છાલકે તેને ભીંજવી નાખ્યો. સિરાજના
શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. આવી રીતે દરિયાઈ મોજું જો બાર્જ પર
પછાડાતું રહે તો...
‘ઇધર આજા!’ બેડીબંદરની તરફ નજર ટેક્વીને વિચારે ચઢી ગયેલા સિરાજને ઘઉંની
ગૂણીઓ વચ્ચે બેઠેલા ત્રીજા સાથીદાર મોહમ્મદ મેરાજે બોલાવ્યો ત્યારે ઘડીભર સિરાજ
કોઈ પ્રતિભાવ ન દેખાડી શક્યો. તેને ઈચ્છા થઈ કે ઉછળતા મોજાંની એક છાલકે તેને
ભીંજવી દીધો. એ બાબતે બંને સાથીઓનું ધ્યાન દોરે પણ પોતે ડરપોકમાં ખપી જશે
એવી ગણતરીથી ચૂપચાપ મેરાજની નજીક જઈ તેણે ઘઉંની ગૂણીઓની આડશ લઈ
લીધી. હવે ઠંડી ઓછી લાગતી હતી. રાતના અંધકાર કે દરિયાઈ સૂસવાટાનો ડર તો
સિરાજને છ માસના અનુભવ પછી નીકળી ગયો હતો. તેણે મેરાજ તરફ જોયું. એ
આંખો મીંચીને પડ્યો હતો.
મેરાજ અને અબ્દુલ બંને સગા ભાઈઓ હતા. બિહારના અગડીયા જિલ્લાની બેકારીથી
થાકી વરસ દી’ પહેલાં બંને ભાઈઓ રોજીની તલાશમાં ગુજરાત આવ્યા હતા.
જામનગરની એક મોટી શિપિંગ કંપનીમાં કામ મળ્યા પછી તેમણે સિરાજને પણ
તેડાવી લીધો હતો. સિરાજ બંને ભાઈઓનો કુટુંબી સગો થતો હતો. દરિયાઈ કામનો
તો ત્રણમાંથી કોઈને અનુભવ નહોતો. ત્રણેય પાસે માત્ર કાંડાંની તાકત હતી. કામ
પણ એવું જ મળી ગયું. બાર્જમાં માલસામાન ભરીને શિપમાં ખાલી કરી દેવાનું.
બાર્જના બીજા છેડે ઊભેલા મોહમ્મદ અબ્દુલની આંખો બાર્જને ખેંચી જતાં ટગ પર
હતી. પરદેશી શિપ ‘વન્ડર’ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. તેણે બીડી સળગાવવાનો
વ્યર્થ પ્રયત્ન કર્યો અને પછી એક ઊંડો નિ:સાસો નાખીને વિચાર્યું: શિપમાં લોડિંગ
કરવા માટે પોતાના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જનો વારો જલ્દી આવી જાય તો સારું કારણ
કે અષાઢ મહિનામાં દરિયાના પેટ પરથી જલ્દી ઊતરી જવાય એવું એકાદ વરસના
અનુભવ પછી આ બિહારી સમજી ગયો હતો. જો કે વહેલી સવારે, મોં સૂઝણાં ટાણે,
બાર્જ પરદેશી શિપના દોરડાથી બંધાઇ ગયું અને ટ્રક ફરી બેડીબંદર જવા રવાના થઈ
ગઈ ત્યારે મોહમ્મદ અબ્દુલને તેના સગાભાઈ મેરાજ કે કુટુંબી સિરાજને ક્યાં ખબર હતી
કે જે અરબી સમુદ્રના પર પટ પર તેમનું બાર્જ ઊભું છે, તેના સેંકડો નોટિકલ માઇલ
દૂર ૨૩૦ કિલોમીટરની ઝડપે કેન્દ્રિત થયેલું વાવાઝોડું તેમની તરફ ધસમસતું આવી રહ્યું
છે.
***
એ ૧૭મી જુન ૧૯૯૬ની સવાર હતી. અબ્દુલ, મેરાજ અને સિરાજ સાથેના ‘સિદ્ધિ
વિનાયક’ બાર્જને પરદેશી શિપના દોરડે બાંધી દેવામાં આવ્યું હતું કારણકે બીજા
બાર્જમાંથી શિપમાં માલ ચઢાવાતો હતો. સિદ્ધિ વિનાયક બારામાં ઊભું રહી ગયું હતું.
એ દિવસે સવારથી વાતાવરણનો ચહેરો બદલી ગયો હતો અને તેનો અણસારો
દરિયાની છાતી પર ઊભેલા ત્રણેય બિહારીઓને આવી ગયો હતો. બપોર સુધીમાં
વાતાવરણ વધારે ખરાબ થઈ ગયું. પવનની ઝડપ બેસુમાર વધી ગઈ. પૂરા સૌરાષ્ટ્ર-
કચ્છમાં એ દિવસે ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો.
અમદાવાદમાં આ ઝડપ ૮૫ કિલોમીટરની નોંધાઈ. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં ઊભા
કરાયેલાં સરકસના તોતિંગ તંબૂને ચીરી ગયેલા પવનથી જ જાણતલો સમજી ગયા હતા
કે આવનારી કલાકો ભારોભાર ટેન્શનની હશે. એ દિવસે આંધ્રપ્રદેશમાં તીવ્ર વાવાઝોડું
ફૂંકાયું! સત્તરમી જુનની એ જ સાંજે હવામાન ખાતાએ કાળવાણી ઉચ્ચારી કે અરબી
સમુદ્રમાં કેન્દ્રિત થયેલું વાવાઝોડું કાઠિયાવાડ ભણી આવી રહ્યું છે અને તેની સૌથી તીવ્ર
અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર દેખાશે.
ધડાધડ ઇન એકશનની મોસમ શરૂ થઈ ગઈ. રેડિયો ચેતવણી આપવા લાગ્યો.
અધિકારીઓ એલર્ટ થઈ ગયા. મીણબત્તીઓ હાથવગી અને ફાનસો કેરોસીનથી તરબતર
થઈ ગયાં. બંદરો પર ચેતવણીનાં સિગ્નલો અપાવા લાગ્યા. પોર્ટ ઓફિસરોએ
ખલાસીઓને દરિયામાં જતા રોકવા માંડ્યા. દરિયે ગયેલાં શિપ, વહાણને વોકીટોકીથી
મેસેજ આપી પાછા બોલાવી લેવાયા. બાર્જીસને માલસમેત કાંઠે લાંગરી દેવામાં આવ્યા
પણ પરદેશી શિપમાં ઘઉં ઠાલવવા ગયેલું ‘સિદ્ધિ વિનાયક’ બાર્જ કોઈના દિમાગમાં
આવ્યું નહીં. આ બાર્જ જે કંપનીનું હતું, તેની પાસે બીજાં ચાલીસેક બાર્જ હતા. મોટા
વહીવટને કારણે કદાચ, કંપનીના માલિકો પોતાના બાર્જ પર રહેલાં ત્રણ વર્કરને ભૂલી
ગયા હશે? એ વખતે કંપનીના માલિકે મને કહેલું કે, આ કોઈ મોટી વાત નથી.
દરિયાના ધંધામાં આવા બનાવ તો બનતાં રહે છે.કેવા બનાવ?
No comments:
Post a Comment