Saturday, March 3, 2012

ચૌદ વરસનો છોકરો

હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’ ચૌદ વરસની કૂણી કૂંપળો ફરકાવનાર એક ચારણ-તરુણે ભાવનગર રાજ્યના સર્વેસર્વા ગણાતા દીવાન, પટ્ટણી સાહેબને એક જ શબ્દથી ચોંકાવી દીધા. ભલભલા મુત્સદ્દીઓ અને રાજ-રજવાડાંને આંજી દેનાર પટ્ટણી સાહેબ છાને ખૂણે હબક ખાઇ ગયા. ચૌદ વરસના છોકરડા ગણાતા એ તરુણે પટ્ટણી સાહેબને વિચારતા કરી દીધા. ‘પટ્ટણી સાહેબ, આપ કહો છો કે ચારણો રાજ કરતાં બુદ્ધિશાળી ન હોય પણ સાચી વાત એ છે કે ચારણો રાજ કરતાં ઘણા બુદ્ધિશાળી છે. પણ એની પાસે આપના જેવાં બળવાન નસીબ નથી. માત્ર થોડી પળો માટે પણ આપના નસીબ અમારા કપાળે બેસે તો ચારણ કઇ બાબત છે એ સાબિત થઇ જાય પણ અમારી પાસે આપના જેવાં બળવાન નસીબ નથી માટે અમે યાચક બનીને આપની પાસે ન્યાય માગવા આવ્યા છીએ.’ બસ્સો ચારણોના ઘેરામાંથી નીકળીને દીવાન પટ્ટણી સાહેબ, આ યુવાનને તાજજુબથી જોઇ રહ્યા. માત્ર ચૌદની ઉંમરનો આ છોકરો ઉથાપી ન શકાય એવું સત્ય ઉચ્ચારી બેઠો. ડાહ્યા દીવાનની સમજણના ખૂણે ખૂણે ડંકા વાગી ગયા કે ‘વાહ યુવાન! ભાગ્યની તારી વાત હજાર વાર સાચી છે. પોતાનું દીવાનપદ બુદ્ધિ કરતાંય જોરૂકા નસીબના પ્રતાપે મળ્યું છે. ભટ્ટમાંથી પટ્ટણી થયો. બારાડી પંથકમાંથી આવીને ભાવનગરમાં વસ્યા. ભાગ્યે પડખું ફેરવ્યું. તે સૌ પ્રથમ ભાવનગર રાજવી તખ્તસિંહજીના કારભારપદે અને પછી દીવાનપદે. તખ્તસિંહજી ગયા અને પોતે બાળકુંવર કૃષ્ણકુમારસિંહજીના દીવાન વત્તા રખેવાળ? આખા રાજ્યની તમામ સત્તા દીવાન પાસે... બલિહારી છે નસીબની. જુવાન તું ખરેખર સાચ્ચો છે... ઘટનાનો સમય હતો. ઇ.સ. ૧૯૨૮ ની સાલનો કે અંગ્રેજ ગવર્નર લોર્ડ ડેલહાઉસીનો સૂરજ સોળે કળાએ હિંદ ઉપર તપતો હતો. ગુલામ અને અજ્ઞાન પ્રજાનો પૂરો ‘ઘાણ’ કાઢવા લોર્ડ ડેલહાઉસીએ ‘ખાલસા’ નીતિનો કાયદો ઘડીને અમલમાં મૂક્યો હતો. દેશનો કોઇ પણ નાગરિક પછી રાજા હોય કે રંક હોય. જો નિર્વંશ મરણ પામે તો એની તમામ મિલકત સરકારમાં દાખલ થાય. અંગ્રેજ સરકારના મિત્ર તરીકે ભાવનગર રાજ્યે પણ ખાલસાનો કાયદો અમલમાં મૂક્યો. રાજની પ્રજા હજી સ્તબ્ધ હતી પણ ચારણ જ્ઞાતિએ સત્યાગ્રહનાં હથિયાર સજાવ્યાં. બસો પાંચસો ચારણો એકઠા થઇને આ કાયદાને રદ કરાવવા માટે રાજધાનીમાં પહોંચ્યા અને અનશન આદર્યા. એકાદ બે દિવસને બદલે એકવીસ દિવસ થવા છતાં કોઇ હોંકારો મળતો નહોતો. ભાવિ રાજવી કૃષ્ણકુમારસિંહજી ચૌદની ઉંમરના સગીર હતા. ન્યાય કોણ આપે! પટ્ટણી સાહેબને મળવા આગેવાનો રાત-દિવસ દોડતા હતા પણ પટ્ટણી સાહેબ મળતા નહોતા. ચારણો પટ્ટણી સાહેબના બંગલે જાય તો પટ્ટણી સાહેબ રાજકુમારના લાલ બંગલે હોય અને લાલ બંગલે જાય તો પાછલા બારણેથી નીકળીને પોતાના બંગલે...! આગેવાનો અકળાયા હતા. બાળ મહારાજાને મળવા માટે પણ પટ્ટણી સાહેબની રજા જોઇએ અને પટ્ટણી સાહેબ તો મળતાય નથી! બળેવનો દિવસ હતો. કંટાળેલા આગેવાનોને બાતમી મળી કે પટ્ટણી સાહેબનાં પત્ની આજે બાળ મહારાજને રાખડી બાંધવા જવાનાં છે માટે ગાડી આડે ઊભીને રમાબાને વાત કરો તો ઉકેલ નીકળે અને વાત બની ગઇ. રમા બા ગાડી લઇને નીકળ્યાં. ચારણોએ ગાડીને ઘેરી લીધી. રમાબહેને વિગત જાણી અને કહ્યું ‘જો તમારે ન્યાય જોઇતો હોય તો પટ્ટણી સાહેબ આપી શકે. મારી પાસે સત્તા નથી.’ ‘નથી પણ આપ પટ્ટણી સાહેબને અમારી વાત સમજાવો.’ ‘પણ ભાઇઓ? મારી ગાડી શું કામે રોકો છો? મારે મોડું થાય છે.’ ‘ખબર છે બહેન! પણ અમને પટ્ટણી સાહેબ મળે એવું તો આપ કરી શકોને?’ ‘તો જવા દેશો?’ રમાબહેન હસ્યાં. ‘હા તો જવા દઇએ.’ ‘તો અરધી કલાકમાં તમને પટ્ટણી સાહેબ મળવા આવશે. મારા વચન ઉપર વિશ્વાસ છે?’ ‘હા બહેન’ ચારણો ખસી ગયા. ગાડી રવાના થઇ અને અરધા કલાકમાં પટ્ટણી સાહેબ મારતી મોટરે મળવા આવ્યા. ‘બોલો.’ ‘ન્યાય આપો, પટ્ટણી સાહેબ.’ ‘શાનો ન્યાય’ પટ્ટણી સાહેબ ખારા થયા. ‘ખાલસાના કાયદાનો. અમે એ કાયદો પાળવાના નથી.’ ‘એમ?’ પટ્ટણી સાહેબનાં ભવાં ખેંચાયાં. ‘રાજની વસતી લેખે કાયદાને માન આપવા તમે સૌ બંધાયેલા છો.’ ‘વસતીમાં અને ચારણમાં ફેર છે પટ્ટણી સાહેબ.’ ‘કેમ? ચારણો રાજ કરતાં વધારે સત્તા ધરાવે છે? વધારે અનુભવી છે?’ પટ્ટણી સાહેબ ધગ્યા. ‘હા સાહેબ? ચારણો તો તમારા ગોહિલો કરતાં જૂના છે. મોખડોજી હજી હમણા આવ્યા અને અમે તો સદીઓથી આંહી છીએ. દરિયાકાંઠો અમારો છે અમે સાચવી જાણ્યો છે. તમારી કરતાં વધારે સારી રીતે.’ ‘એટલે રાજ કરતાં તમારામાં વધારે બુદ્ધિ છે એમ?’ પટ્ટણી સાહેબનો ધારદાર પ્રશ્ન આગેવાનો ઉપર છવાઇ ગયો. સૌ અવાચક હતા, ત્યાં ચૌદ વરસનો એક તરુણ આગળ આવ્યો. પટ્ટણી સાહેબ સામે ઊભા રહીને એણે ઉત્તર દીધો. ‘બુદ્ધિ તો પટ્ટણી સાહેબ, રાજ કરતાં ચારણોમાં વધારે છે પણ લાચાર છીએ.’ ‘બોલ, કેવી રીતે?’ ‘તમારા જેવા નસીબ અમારી પાસે નહીં ને?’ ‘હેં?’ પટ્ટણી સાહેબ થડકી ગયા. ‘હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’ ‘બોલકો જુવાન’ પટ્ટણી સાહેબ બોલકો શબ્દ તો સાવ બોલવા ખાતર બોલી ગયા બાકી મન ઊંડાણેથી સાચ્ચો શબ્દ તો ‘બળુકો જુવાન’ જ નીકળ્યો હતો. એકાદ શ્વાસ લઇને પટ્ટણી સાહેબે પૂછ્યું ‘ક્યાંનો છે તરુણ.’ ‘મઝાદરનો’ ‘ચારણ છે?’ ‘હા જી ભાયા કાગનો દીકરો.’ ‘શું નામ?’ ‘દુલો-દુલા ભાયા કાગ.’ આગેવાનોએ જોયું કે દીવાન સાહેબ હજીય નાનકડા આ તરુણને તાકી રહ્યા હતા. ન્યાય મેળવવા માટે રાજધાનીમાં તપ ધરતા આગેવાનોને લાગ્યું કે છોકરાએ કમાલ કરી છે. આપણને મનમાં હતું કે છોકરો છે ભેગો આવે છે, ભલે આવે, પણ છોકરો અણધાર્યો નીકળી ગયો. પટ્ટણી સાહેબને જવાબ તો દીધો પણ એવો દીધો કે વિચારે ચડી ગયા! આવો જવાબ ઘડતા આપણને આખો દિવસ થાય છતાં સરખો બોલાય કે ન પણ બોલાય. જોજો, આ છોકરો મોટો થઇને જ્ઞાતિના પાણી અંબરે ચડાવશે. ‘માટે અમને ન્યાય આપો?’ તરુણ આગળ વધતો હતો. ‘ન્યાય આપવાનો આપે કોલ આપ્યો છે.’ ‘કોને?’ ‘ઉઘાડી રાખજો બારી’ નામની કવિતાને’ અને પટ્ટણીજી બોલે કારવે એ પહેલાં તરુણ દુલાભાઇએ પ્રભાશંકર રચિત કાવ્ય ગાઇ બતાવ્યું. ‘દુ:ખી કે દર્દ કે કોઇ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવાતમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.’ અને પટ્ટણી સાહેબે મોજડીઓ પહેરી. ચારણ સમૂહને ન્યાય અપાવવા બાળરાજવી કૃષ્ણ કુમારસિંહજી પાસે લાલ બંગલે લઇ ગયા અને ચારણો ખુશ થાય એવો રસ્તો કાઢી આપ્યો... ‘દુલાભાઇ!’ પટ્ટણીજીએ યુવાનને અમીભરી નજરે જોઇને કહ્યું. ‘મારા જેવું કોઇ પણ કામ હોય તો જરૂર મળજો.’ સમયને ખબર હતી કે તરુણનું આ ચાંદરણું માત્ર ભાવનગર રાજ્યને નહીં પણ સમગ્ર ગુજરાતને આવરી લે એવા તેજે તપીને મળવાનું હતું.

No comments:

Post a Comment