Thursday, February 16, 2012

તમારી આઝાદીને ભૂલી જાવ...

લગ્ન અગાઉ પુરુષ મોરલા જેવો હોય છે, યથેચ્છ ફરીને મન થાય ત્યારે કળા કરી શકે છે. સગાઇ થયેલ પુરુષ સિંહજેવો છે, તે લગ્ન સુધી મોટેથી ત્રાડો પાડી શકે છે. જ્યારે પરણેલ પુરુષ સાવ ગધેડો છે. છતાં લગભગ દરેક પુરુષ માટે ગર્દભ બનવું તેની નિયતિ બની રહે છે. કાયદાએ ભલે એવું કહ્યું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક વર્માએ પરણેલા પુરુષોને મોઢામોઢ કહી દીધું કે લગ્ન પછી પુરુષોએ પોતાની આઝાદીને ભૂલી જવી જોઇએ. લગ્ન કરવાં હોય તો પુરુષે તેની કિંમત ચૂકવવી જ પડશે. જસ્ટિસે એમ પણ ઉમેર્યું કે લગ્ન થઇ ગયા પછી આઝાદીનો પ્રશ્ન ઊભો થતો જ નથી. છુટાછેડાના એક કેસમાં પતિને સલાહ આપતાં જસ્ટિસે જણાવ્યું છે કે જો તમે ખુશ રહેવા માગતા હો તો તમારે એ જ કરવું જોઇએ, જેની તમારી પાસે અપેક્ષા રાખવામાં આવતી હોય. મારા ગીધુકાકા એવું માને છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ અનુભવવાણી જ પેલા ડાયવોર્સ-વાંછુ પતિ આગળ ઉચ્ચારી હશે, કારણ એ જ કે ગમે તેટલો મોટો ન્યાયાધીશ હોય તો પણ તે કોર્ટમાં જ ન્યાયાધીશ હોય છે. ઘેર આવ્યા પછી તે એવરેજ હસબન્ડ-સરેરાશ પતિ જ બની જાય છે. કોર્ટની માફક તે ઘરમાં પણ લાકડાની હથોડી ટેબલ પર પછાડી, પત્ની સામે જોઇ ‘ઓર્ડર... ઓર્ડર’ એવી રાડો ન પાડી શકે. પાડે તો શોભે પણ નહીં. જે છુટાછેડાના કેસમાં સર્વોચ્ચ અદાલતના જસ્ટિસે પતિને ટપાર્યો એ કર્નલ છે, યોદ્ધો છે, ફાઇટર છે. જોકે આમ પણ પુરુષ લગ્ન કરે છે એ દિવસથી તે ફ્રીડમ ફાઇટર થઇ જતો હોય છે. આ કેસમાં બે વર્ષ પહેલાં પતિ અને પત્નીએ પરસ્પરની સંમતિથી એકબીજાથી છુટા પડવા માટે અરજી કરી હતી, હવે પત્નીએ છુટાછેડા અંગેની પોતાની સંમતિ પાછી ખેંચી લીધી છે. આવું કેમ થયું હશે? શક્ય છે કે એ સ્ત્રીને તેની કોઇ સખીએ ભડકાવી હશે કે ‘અલી દાધારંગી, તારાથી છુટો પડીને કર્નલ સુખી સુખી થઇ જશે, કંઇ સમજણ પડે છે, બાઘી!’- આ સાંભળી તે બરાડી હશે કે શું વાત કરે છે! હું હજી બાર વરસની બેઠી છું ને એ પિટ્યો સુખી થશે! હું ડાયવોર્સ આપીશ તો સુખી થશે ને! એટલે તેણે ના પાડી, છુટાછેડાની. પરંતુ આ આખાય ખટલામાં ગીધુકાકાને એ ના સમજાયું કે ન્યાયમૂર્તિ પોતે પુરુષ હોવા છતાં કહેવા જેવું ને નહીં કહેવા જેવું બધું જ પેલા પીડિત-પતિને જ કહ્યું. એક પણ બોધક શિખામણ માથાભારે પત્નીને ન આપી. ખરેખર તો તેમણે પતિ-પત્ની બંનેને એક સાથે ધમકાવી નાખવાં જોઇતાં હતાં, તો જ આ ન્યાયી પુરુષે અન્ય પુરુષને, સહાનુભૂતિથી જોયો છે એવી છાપ પુરુષસમાજ પર પડત. ***** લગભગ ત્રણ હજાર વર્ષ અગાઉ ભગવાન મનુ થઇ ગયા. ‘મનુસ્મૃતિ’માં મનુએ સ્પષ્ટપણે લખ્યું છે કે ‘ન સ્ત્રી સ્વાતંત્રય આહૂતિ’... ગુજરાતીમાં કહીએ તો ‘સ્ત્રી સ્વતંત્રતાને લાયક નથી.’ ભગવાન જેવા ભગવાને આવું કહ્યું છે તો સુપ્રીમ કોર્ટના ન્યાયવિદ્ એમ કહે છે કે પુરુષ એકવાર પરણી જાય પછી તેની સ્વતંત્રતા જતી રહે છે. આ જ વાત રમૂજમાં આ રીતે કહેવાઇ છે. ‘લગ્નવિધિ વખતે મંગળફેરા વેળા પુરુષ સ્ત્રીને દોરતો હોય છે. એ પછી એના નેતૃત્વનો અંત આવે છે.’ ***** લગ્ન એટલે શું એની બધાને ખબર છે, કુંવારાઓને તેની વધારે જાણ હોય છે. એક અનુભવી ચિંતકે જે કહ્યું છે એ પણ તેના ધ્યાન બહાર નથી કે લગ્ન અગાઉ પુરુષ મોરલા જેવો હોય છે, જ્યાં ફરવું હોય ત્યાં યથેચ્છ ફરીને મન થાય ત્યારે કળા કરી શકે છે - ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા! સગાઇ થયેલ પુરુષ સિંહજેવો છે, તે લગ્ન સુધી મોટેથી ત્રાડો પાડી શકે છે, લગ્ન બાદ તે બકરી બેં થઇ જાય છે અને પરણેલ પુરુષ સાવ ગધેડો છે. છતાં લગભગ દરેક પુરુષ માટે ગર્દભ બનવું એ જાણે તેની નિયતિ બની રહે છે. (કેટલાક પુરુષો બબ્બે વખત ગર્દભ બનવાનું પસંદ કરે છે- ભોગ એમના, એમાં આપણે શું કરી શકવાના!) ***** મારા પર એક વાચકનો પત્ર છે. તે લખે છે કે પહેલાં મને જ્યારે પૂછવામાં આવતું કે હજી તું કુંવારો જ છે? ત્યારે હું ગર્વથી કહેતો કે રામ રાખે તેને કોણ ચાખે? પરંતુ દિવસે દિવસે મારો ગર્વ તૂટવા માંડયોછે, કેમ કે મારી માનો હું પાંત્રીસ વર્ષનો એક માત્ર દીકરો છું. સ્વાભાવિક છે કે મા પ્રત્યે મને અનન્ય પ્રેમ હોય. આને લીધે સમાજમાં મારી માવડિયાની છાપ છે. લગ્નબજારમાંથી ધીરે ધીરે હું બહાર હડસેલાતો જતો હતો, પરંતુ મારી માની હાલત આજ-કાલ ખર્યા પાન જેવી છે એ જોયા-જાણ્યા પછી એક છોકરીએ મહેરબાનીના ધોરણે મારી પત્ની થવાનું પસંદ કર્યું છે. અમારી સગાઇ થઇ ગઇ છે. હવે મને ચિંતા એ થાય છે કે લગ્ન પછી હું મારી મધરનું જ કહેવું માન્યા કરીશ તો મને માંડ મળેલી વાઇફ નારાજ થઇ જશે ને તે કહે તેમ વર્તીશ તો સગાં-સ્નેહીઓમાં મારી છાપ હેનપેકડ હસબન્ડની, મરઘાભાઇની પડી જશે ને મારી માને એ નહીં ગમે. તો સુખી થવા માટે મારે શું કરવું જોઇએ? માને પૂછીને સગાઇ તોડી નાખું કે પછી... યોગ્ય સલાહ આપશો. આભાર. મૂંઝાયેલા એ યુવાનને અંગત પત્ર લખવાને બદલે જાહેરમાં જણાવવાનું કે આવી નાજુક પરિસ્થિતિમાં વધુ પડતા સેન્સિટિવ ના થવું. બ્રેકેબલ હોવા છતાં સગાઇ તોડવી નહીં કે આ અંગે માની સલાહ માગવી નહીં. તમને મોટી ઉંમરે પરણનાર કેવા સંજોગોમાં મળી છે એની માને તો ખબર હોય જ ને! એટલે માને ફકત માહિતી આપવી કે જો બા, તારી સાથે મેં ઘણાં વર્ષો કાઢયાં, એમ સમજને કે પાંત્રીસ વરસ પૂરાં કર્યા. લોકોએ મને માવડિયો- સનમાયકા કહ્યો. કહે. લોકોને બીજો ધંધો નથી. હવે પરણ્યા પછી પાંત્રીસ, ચાલીસ કે પચાસ વરસ સુધી ભલે બધા મને વહુઘેલો કહે, તારે માઠું નહીં લગાડવાનું. અને મા આમ તો પાછી ઉદાર હોય છે, તેને મન મનાવતાં આવડતું હોય છે. મા તો માફ કરી જ દેવાની. મા કોને કહી છે! ***** અલબત્ત મારા ગીધુકાકા પણ એ જ મતના છે કે સંસાર સરોવરમાં તરતાં ન આવડતું હોય છતાં તરી જવાની ઇચ્છા હોય તો પત્ની કહે તે અને કહે એટલું જ કરવું. તો જ ગૃહમોરચે સુખ અને શાંતિ અનુભવાશે. બુદ્ધિશાળી, હા, બુદ્ધિશાળી-બુદ્ધિજીવી નહીં પાછા, એ સાવ અલગ કોમ છે. બુદ્ધિશાળી પુરુષોને આની પાકી ખબર છે. આનું ઉત્તમ ઉદાહરણ નાગરબંધુઓ છે. તેઓ પોતાની તમામ શક્તિ, બાહોશી, કુનેહ વગેરે રાજ્યકારભારમાં વાપરતા. આજે પણ રાજ-કાજ ક્ષેત્રે નાગરોનું વર્ચસ્વ છે. લગ્ન કરીને સખી ઘરના ઉંબર પર પગ મૂકે કે તરત જ ભાઇસાહેબ તેની સાથે કામની વહેંચણી કરી દે. કહી દે કે હે સન્નારી, આજથી તમે ગૃહસામ્રાજ્ઞી. તમારા ઘરના વહીવટમાં હું સહેજ પણ ચંચૂપાત નહીં કરું. રસોડામાં ક્યારેય પૂછવા નહીં આવું કે આજે તમે કઇ વાનગી પકાવવા ઇચ્છો છો? દાળ-શાકમાં કોઇકવાર મીઠું -મરચું વત્તું-ઓછું પડી જશે તો પણ એ અંગે તમારો ખુલાસો નહીં માગું. મને સ્વાદની પરખ છે કે નહીં એની પરીક્ષા કરવા જ તમે મરચા-મીઠામાં માત્રાફેર કર્યો છે એવું માની લઇને મોં બગાડ્યા વગર પીરસણ પ્રેમથી જમી લઇશ. પરંતુ કોઇ તમને રાજ-ખટપટ, નોકરીમાં પાણિચું, પ્રમોશન કે ટ્રાન્સફર જેવી વિગત પૂછવામાં આવે તો તેને સુણાવી દેવાનું કે મને એમાં સમજ ના પડે. એ માટે તમે માંકડ, મચ્છર, હાથી કે મંકોડી (વોટ એવર ધ કેસ મે બી)સાહેબને જ મોઢામોઢ પૂછી લોને! જોકે કહેવા જેવી, ખાસ તો તમને રસ પડે એવી બધી જ વાતો તમને હું ચોક્કસ જણાવીશ. તમને ક્યારેક સલાહ આપવાનું મન થાય તો આપજોય ખરા, હું તે અવશ્ય સાંભળીશ. ***** લેખ પૂરો કરતાં એક મારી અંગત વાત પણ કરી લઉં. પત્ની સાથે જમવા બેસીએ ત્યારે પત્નીના પીવાના પાણીનો ગ્લાસ ભરીને હું જ તેની પાસે મૂકું છું. આથી પત્નીને સારું લાગે છે એ કરતાંય મને એ વાતે વધારે સારું લાગે છે કે હું પીવડાવું એટલું જ પાણી તે પીએ છે. આ કારણે મારો ‘ઇગો’ હરખાય છે- દિલ કો બહલાને કે લિયે વિનોદ, યે ખયાલ અચ્છા હૈ...

No comments:

Post a Comment