ધૂત છુપે ના ભભૂત લગાયે,
સૂર્ય છુપે ના બાદલ છાયે. (લોકસાહિત્ય)
ફિલ્મોમાં જ્યારે આંધળાની આંખો ઓપરેશન પછી આવે ત્યારે એ ધીમે ધીમે ફોકસમાં આવે છે અને પાત્ર
કહે છે: ‘મૈં દેખ સકતા હૂં... મુઝે સબ દિખાઇ દેતા હૈ!’ એ જ રીતે આજકાલ અમુક રંગો અચાનક
ફોકસમાં આવી ગયા છે. ચર્ચાઇ રહ્યા છે. ભગવો, કેસરીયો કે લીલો રંગ. ચિદંબરમે જેવું ‘ભગવો
આતંકવાદ’ કહ્યું કે બધા ઉશ્કેરાઇ ગયા. એ પછી જાણીતા સાધુ-સંતો પર એક ટીવી ચેનલે સ્ટિંગ
ઓપરેશન કરીને કાળા નાણાં અને ક્રાઇમ વિશેનાં કૌભાંડો રજૂ કર્યા કે ફરી બધાં ઉશ્કેરાઇ ગયા કે શું માત્ર
હિંદુ સાધુ-સંતો જ બેઇમાન છે? મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મપુરુષો પર કેમ સ્ટિંગ ઓપરેશન નથી થતાં?
અંધશ્રદ્ધાની આરતી લેનારાઓ ‘કેસરિયા’ મૂડમાં આવી ગયા.
હિંદુ એટલે ભગવો, ઇસ્લામ એટલે લીલો અને અમે માત્ર સારા, બીજા માત્ર ખરાબ એવી સ્કૂલલેવલના
બાળકો જેવી રંગીન જીદ શરૂ થઇ. કોઇએ ફેસબુક કે એસ.એમ.એસ. પર ચર્ચા ઉઠાવી કે હિંદુઓને
બદનામ કરવા ‘ભગવો આતંકવાદ’ની કોમેન્ટ કે બાવા-બાપુઓના સ્ટિંગ ઓપરેશનનો પ્લાન થાય છે!
અનેક ભાવુકો એ હિંદુ-અન્યાય-કોરસગાનમાં જોડાઇ ગયા. મિથ્યાભિમાનની મોસમ શરૂ થઇ ગઇ.
નિકોલસ બોઇલાએ કહ્યું છે: ‘દરેક મૂર્ખને એની પ્રશંસા કરવા માટે વધારે મોટો મૂર્ખ મળી જ રહે છે’. એમ
જ થયું. અન્ય ધર્મમાં પણ આવી બદીઓ છે જ પણ તો શું પેલા બાવાઓને માફ કરવાના? એટલે જ
કદાચ આલ્બેર કામ્યુએ કહ્યું છે કે પુરુષ બનવા માટે નિર્દોષતા છોડવી પડે!
ખેર, રંગો-પાખંડોની રંગોળી જોઇને થયું છે કે શું છે રંગોની દુનિયા? ધર્મના રંગો? ઓ.કે., ભગવો કે
કેસરિયો રંગ હિંદુ સંસ્કૃતિનું પ્રતીક છે કારણ કે આપણે અગ્નિપૂજક છીએ. કહે છે, મીરાંબાઇ ગુરુ રૈદાસ
પાસે ગયાં ત્યારે રૈદાસ ગેરુઆ રંગે માટીના વાસણ રંગતા હતા. વાત કરતાં કરતાં સમય વીત્યો ને એમનું
ધ્યાન ગયું કે મીરાંબાઇની સફેદ સાડી ગેરુઆ રંગના છાંટાઓથી અનાયાસે રંગાઇ ગયેલી! અને રૈદાસ
બોલ્યા: ‘વાહ મીરાં, તુમ તો રંગ ગઇ!’ અને આમ ભગવા રંગમાં રંગાઇને મીરાંનો અચાનક સંન્યાસ
પ્રવેશ થઇ ગયો. રાજપૂત વીરો જ્યારે યુદ્ધમાં હસતે મોઢે જાન આપી દેવા કેસરી રંગમાં
રંગાઇને ‘કેસરિયાં’ કરતા. આજે મીરાંનો કે રાજપૂત શહીદોનો એ ભગવો રંગ, વોટ બેંક ભૂખી પાર્ટીઓના
ઝંડામાં કે બાવા-બાપુઓના કારનામાંમાં ઝંખવાઇ રહ્યો છે. આજે એ સ્વામી વિવેકાનંદનો નહીં પણ કામી
નિત્યાનંદનો પર્યાય બની રહ્યો છે.
પણ બહુમતી ચૂપ છે, આતંકવાદ કે બાવા કૌભાંડોના પક્ષમાં રંગીન દલીલો કરે છે. દરેક રંગમાં સિમ્બોલ
કે અર્થ, ઈતિહાસ છે. ઇસ્લામ, સૂકાર્ભ રેગિસ્તાનમાં જન્મેલો એટલે હરિયાળીનો લીલો રંગ અપનાવ્યો.
વિજ્ઞાન કહે છે કે માણસના શરીરમાં લાલ, પીળો, વાદળી, કાળો, સફેદ એમ દરેક રંગ છે પણ લીલો
રંગ ક્યાંય નથી! પાન લીલું જોઇને અમને બનારસી પાન યાદ આવે છે પણ કોમળ કવિઓને ઓલ્વેઝ
પ્રિયતમ જ યાદ આવે છે! શેકસપિયરને લીલા રંગમાં ઇષ્ર્યાનો રંગ દેખાય છે અને અમને તો ખસનું સ્વીટ
શરબત પણ યાદ આવે છે!
જુવાન વ્યક્તિ પોતાની અધૂરી ઇચ્છાઓ મૂકીને મરી જાય તો એની પાછળ એક જમાનામાં ‘લીલ’
પરણાવવાની પ્રથા હતી પણ અમને તો લીલ શબ્દમાં લપસવાનો ડર લાગે છે. એક જમાનામાં કાળાં
બ્લેકબોર્ડ હતાં, હવે નવી શાળાઓમાં લીલાં બોર્ડ આવ્યાં છે કારણ કે લીલો રંગ આંખો માટે સારો છે! પણ
આજે એ શાકાહારી લીલો રંગ પણ દુનિયામાં આતંકનું પ્રતીક બની રહ્યો છે! સાયન્સ કહે છે કે લીલા ઝેરને
ઓકતા સાપને બધું બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે પણ આપણે માણસો તો રંગ જોઇને આપણા રંગ બદલએ
છીએ!
સફેદ રંગ આપણને પવિત્રતા કે શાંતિ વગેરેનું ટિપિકલ પ્રતીક લાગે છે. યુદ્ધ અટકાવવા શાંતિનો વાવટો
ફેલાવવા ‘વ્હાઇટ’ રંગ વપરાય છે. પણ અમને તો સફેદીમાં આજકાલ કરપ્ટ નેતાઓ કે સ્મગલરો કે
બિલ્ડરો જ દેખાય છે. સાહિત્ય સભાઓમાં ઇનામો માટે લડતા ડાઘુઓ જેવા કવિ-લેખકો સફેદ વસ્ત્રોમાં જ
દેખાય છે. સર્વેશ્વર સકસેના, ગાલિબ, એહમદ ફરાઝ જેવા કવિઓની પંક્તિઓને પોતાના નામે બિન્દાસ
ઉઠાવનાર ગીતકાર ગુલઝાર હંમેશાં સફેદ પોશાક જ પહેરે છે! માસૂમ બાળકોની વાર્તાઓમાં પરીઓ સફેદ
કપડાંમાં જ આવે છે, તો વળી કેન્ડલ લઇને રાતે વા‹ક લેવા નીકળેલાં ભૂતપ્રેત પણ કોણ જાણે કેમ સફેદ
કપડાંમાં જ ફરે છે.
બેદિલ સમાજમાં એક તરફ દેવી સરસ્વતી સફેદ વસ્ત્રોમાં પૂજાય ત્યાં ઉપેક્ષિત વિધવા માટે એ રંગે કેમ
થોપવામાં આવ્યો છે? વિવેકાનંદ કહે છે હિંદુસ્તાની સ્ત્રીનો ચામડીનો રંગ એટલે દૂધમાં લોહીનાં ટીપાં મિક્સ
કરીએ તો જે રંગ બને એવા રંગ! (કદાચ દક્ષિણની ડાર્ક શ્યામવણીઁ સેક્સી સ્ત્રીઓ તરફ એમનું ધ્યાન નહીં
ગયું હોય!)
ઇન્ટરવલ
તારાં રંગનગરનો રસિયો નાગર એકલો! (વેણીભાઇ પુરોહિત)
કાળો રંગ અશુભ કે મનહૂસ ગણાય છે તો પછી આટલા કલરફૂલ ભગવાન શ્રીકૃષ્ણ કાળા કેમ હતા? શક્તિ
દાત્રી કાલી માતા કાળાં કેમ છે? પવિત્ર બાઇબલને કાળી કિતાબ કેમ કહેવાય છે! વિરોધના સરઘસમાં
લોકો ખભા પર કાળી પટ્ટી પહેરીને જ કેમ નીકળે છે? પર્પલ કે લાલ કેમ નહીં? એક તરફ કાળા વાળને
સુંદર ગણાવાય છે અને સફેદ વાળ બૂઢાપાનું લક્ષણ તો એ અશુભ કેમ? બ્લેક મની કે કાળાબજાર એ આજે
સમાજે સ્વીકારેલું વરવું સત્ય છે એટલે? વળી, કાળીડિબાંગ રાત સેક્સી ગણાય છે કે તો કદીક ડરામણી
કેમ હોય છે? મોતનો રંગ કાળો મનાય છે પણ કફન કાયમ સફેદ જ કેમ હોય છે? કાળા રંગ પર કોઇ રંગ
નથી ચડતો એટલો સ્ટ્રોંગ છે. ‘ઓઢું તો ઓઢું કાળી કામળી દૂજો રંગના લાગે કોઇ’ એમ મીરાંબાઇ કહી
ગયાં છે. એટલે ઇનશોર્ટ, કાળો રંગ બહુ ના સમજાય એવો ગહેરો છે.
લાલ રંગ લોહીનો છે, ક્રાંતિનો છે, યુદ્ધનો, ક્રોધનો પર્યાય છે. રેડ એ કોમ્યુનિસ્ટોનો કે ખૂનખાર
માઓવાદીઓનો રંગ પણ ગણાય છે. પણ તોયે શરમથી કન્યા લાલલાલ થઇ ગઇ એમ સ્વીટલી કેમ
લખાય છે? જો એ હિંસક રંગ છે તો નશાની મસ્તીમાં ‘યે લાલ રંગ કબ મુઝે છોડેગા?’ એવું હિંદી ફિલ્મના
દર્દીલા હિરો કેમ ગાય છે? ‘લાલી દેખન મૈં ગઇ તો ખુદ હો ગઇ લાલ’વાળા રંગની લીલા અજીબ છે!
પણ પીળો રંગ, જરા કનફ્યુઝ્ડ કલર છે. પીળું એટલું સોનું નહીં એમ કહીને લોકો એને ગ્રેટ માને છે પણ
બીજી તરફ પીળું પત્રકારત્વ કહીને ઊતારી પાડવા પીળો રંગ જ કેમ વપરાય છે? સોનાનો રંગ જો પીળો છે
તો સુવર્ણયુગને ‘પીળો યુગ’ કહેવો જોઇએ? શાયર મરીઝ જે દેશી દારૂ પીતા એને ‘પીળું પાણી’ કહેતા!
ભૂરો રંગ શાહીનો, એકલતાનો, રોમાન્સનો કલાસી રંગ છે. આસમાનની વિશાળતા, ભૂરી આંખોવાળી
છોકરી, ભૂરાં ભૂરાં સપનાં વગેરેમાં વપરાતા ભૂરા રંગનો ‘બ્લ્યુ ફિલ્મ’ સાથે નાતો કેમ જોડાયો હશે?
ટીનએજરો માટે ગુલાબી પેનથી સેક્સ, સિનેમા અને સંબંધો પર લખનારા લેખકો માટે કદાચ આ એક
સંશોધનનો વિષય છે. હા, બાર્બી ડોલ કે ગ્રીટિંગ કાડર્ઝમાં બધે ગુલાબી રંગ જ હોય છે. હાર્ટ આકારના
બલૂનો ચીતરીને પ્રેમ-લવ-પ્રીતવાળી બબલગમ ફ્લેવરની કિતાબોનાં કવરપેજ પર ગુલાબી રંગ કંપલસરી
હોય છે.
ગુલાબી એ ‘ગે’ લોકો માટે જગપ્રસિદ્ધ રંગ છે. ગે ડ્રેસ ડિઝાઈનરો જ્યારે પિંક કલર વિશે વાત કરે ત્યારે
એમને નારીની જેમ શરમાતા નરી આંખે અમે જોયા છે! પણ આ બધામાં એક રંગ છે જે મેઘધનુષ્યના
કોમન રંગોથી અલગ છે: રૂપેરી રંગ! નિરાશાના દરેક કાળાં વાદળને એક રૂપેરી કોર હોય છે! કદાચ
સેકયુલર, સેન્સિબલ, સ્વીટ લોકો માટે હવે સિલ્વર કલરને સિમ્બોલ બનાવી દેવો જોઇએ. છેને સિલ્વર
જયુબિલી આઇડિયા?
એન્ડ ટાઇટલ્સ
આદમ: હું ક્યારેક ખોવાઇ જઇશ તો તું છાપાંમાં જા.ખ. આપીશ?
ઇવ: હા! લખીશ કે તું જ્યાં છે ત્યાં ખુશ રહે!
No comments:
Post a Comment